Tuesday, July 10, 2018

સખી, આંખોનું આયખું તો કેટલું ? મારા વ્હાલમને જોઈ રહું, એટલું

સખી, આંખોનું આયખું તો કેટલું ?
મારા વ્હાલમને જોઈ રહું, એટલું

આંખો તો આંગણું ને આંખો તું ઉંબરો
ને આંખો તો સોણલાની કેડી
આંખો તો ઓસરી ને આંખો તો ઓરડો
ને આંખો તો સોણલાની મેડી


સખી, સોણલાનું આયખું તો કેટલું ?
ઝીણા ઝાકળમાં સૂર્ય હશે એટલું !

આંખો ને સોણલાને પળનો સંબંધ
તો ય સોણલા તો આંખોની સ્હાયબી
સોણલા વિનાની આંખ, જાગ્યાનું નામ
સખી, સોણલા તો આંખની અજાયબી

વ્હાલ ઝરમરતું સોણલામાં કેટલું ?
હું તો નખશિખ ભીંજાઈ રહું એટલું !

સખી, આંખોનું આયખું તો કેટલું ?

No comments:

Post a Comment