Tuesday, July 10, 2018

તું જીત વગરનો થા, ને હાર વગરનો થા

તું જીત વગરનો થા, ને હાર વગરનો થા,
તું એમ કરી થોડો, સંસાર વગરનો થા.

એકાંત મળે ખુદથી, અન્યોથી તો એકલતા,
ક્યારેક અહીં તું પણ, બેચાર વગરનો થા.


ઝાકળની અહીં પરવા, આ ફૂલ નથી કરતું
તું દેહ ઉપરનાં આ, શણગાર વગરનો થા.

બારીમાં ઉભા રહીને, સૂરજનાં કિરણ બોલ્યાં
અમને જ તું વાંચી લે, અખબાર વગરનો થા.

હળવા જ થવું હો તો, રસ્તોય બતાવું લે,
આધાર કોઇનો થઇ, તું ભાર વગરનો થા.

સંદેહ નથી એમાં, આ યુધ્ધ શમી જાશે
પ્હેલાં તો અહીંયા તું, હથિયાર વગરનો થા.

આ ફૂંક જીવાડે છે, ને ફૂંક બુઝાવે છે
તું દેહનાં દીવા પર, અધિકાર વગરનો થા.

No comments:

Post a Comment